અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામ ખાતે રહેતા 55 વર્ષીય ઉર્મિલા ચુનીલાલ ઓઢ બે દિવસ પૂર્વે ધરેથી ગુમ થઇ ગયા હતા. તેમના પરિવારજનો બે દિવસથી તેમની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન આજરોજ આબોલી ગામની પ્રાથમિક શાળા પાછળ બોઈદરા ગામની હદમાંથી દુર્ગંધ મારતો ઉર્મિલા ઓઢનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ અંગે ગ્રામજનોને જાણ થતા લોકના ટોળા ઉમટ્યા હતા. બનાવ અંગેની જાણ શહેર પોલીસ મથકે કરતાં શહેર પીઆઈ તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે ગામના તલાટી તેમજ મામલતદાર કચેરીના પ્રતિનિધિને સાથે રાખી પ્રથમ સ્થળ પંચ કેશ કર્યો હતો. જોકે આ મહિલાના હાથમાં રૂપિયા ભરેલી થેલી તેમજ શરીરે દાગીના અકબંધ જોવા મળ્યા હતા. જ્યારે મોઢા તેમજ પગમાં ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે પ્રાથમિક શંકા ઉપજાવી ગામમાં ગુમ મહિલા અંગે તપાસ કરતા બે દિવસ પૂર્વે ગામમાં આવેલા કોલોની વિસ્તારમાં રહેતા ઉર્મિલા ચુનીલાલ ઓઢનો ગુમ થયાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે તેના પરિજનોને જાણ કરતા મૃતક મહિલાનો પુત્ર તેમજ પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. જે બાદ પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો. પોલીસે પ્રાથમિક અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ કરી એફ.એસ.એલ તેમજ ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટની મદદ મેળવી તપાસ આરંભી છે.