ભરૂચની ઝાડેશ્વર ચોકડી ઉપર SOG એ મધરાતે બે બોલેરો સાથે 20 વ્યક્તિના સ્ટાફ સાથે વોચ ગોઠવી બાઇક ઉપર કરજણ તરફથી આવતા બે પેડલરોને ચરસના એક કિલો જથ્થા સાથે શહેરમાં ઘૂસતા પેહલા જ ઊંચકી લીધા હતા.
બે બોલેરો સાથે પી.આઈ. એ.એ.ચૌધરી, પીએસઆઇ એ.વી. શિયાળીયા એ.કે.જાડેજા, કે.બી.મીર, નરેશભાઈ, સુરેશભાઈ, શૈલેષભાઇ સહિત 20 વ્યક્તિનો સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો.

ભરૂચમાં દારૂ સાથે માદક પદાર્થોથી યુવાધનને બરબાદ થતું અટકાવવા જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલની સૂચનાથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) કાર્યવાહી કરી રહ્યું છે. SOGને મળેલી બાતમીના આધારે શુક્રવારે મધરાતે ઝાડેશ્વર ચોકડી સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવાઈ હતી. બે બોલેરો સાથે પી.આઈ. એ.એ.ચૌધરી, પીએસઆઇ એ.વી. શિયાળીયા, એ.કે.જાડેજા, કે.બી.મીર, નરેશ, સુરેશ, શૈલેષ સહિત 20 વ્યક્તિનો સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો.

વડોદરા કરજણ તરફથી યામાહા બાઇક ઉપર બે યુવાનો નશીલા પદાર્થનો જથ્થો લઈ આવી રહ્યાની બાતમી મુજબ બાઇક આવતા તેને કોર્ડન કરી અટકાવાઈ હતી. બન્ને યુવાનોની જડતી લેતા ખાખી ખોખામાં સેલોટેપથી વીંટાળેલ બોક્સ મળી આવ્યું હતું. વજન કાંટા અને એફએસેલ સાથે હાજર એસઓજીએ બોક્સ ખોલી તેનું પરીક્ષણ કરાવતા તે ચરસનો જથ્થો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઝાડેશ્વરના વડવાળું ફળિયામાં રહેતો ભાવેશ ઉર્ફે કાલુ રમેશ વસાવા અને ભૌતિક ઉર્ફે એલિયન પરેશ શાહની 1 કિલો અને 39 ગ્રામ કિંમત રૂપિયા 1.55 લાખના ચરસ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

બન્ને યુવાનો છેલ્લા કેટલાક મહિનાથી શોર્ટકટમાં કમાઈ લેવા છૂટક વેચાણ માટે ચરસનો વેપલો કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ જથ્થો ડભોઇ નજીકના બામરોલી ગામ પાસે સીતારામ ઉર્ફે રામદેવ તેમને આપી ગયો હતો. જે મધ્યપ્રદેશ તરફથી આવ્યો હતો. એસઓજી એ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ બન્ને આરોપીની બાઇક, બે મોબાઈલ અને ચરસ મળી કુલ રૂપિયા 3.17 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ સીતારામની શોધખોળ આરંભી છે.