ભરૂચ SOG પી.આઈ. એ.એ.ચૌધરી તેમની ટીમ PSI એ.વી.શિયાળીયા, હે.કો. શૈલેષભાઈ સહિતના સાથે એ.ટી.એસ.ચાર્ટર મુજબની કામગીરીમાં શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન હે.કો. રવિન્દ્રભાઈને બાતમી મળી હતી કે, સાંઈ રેસિડેન્સીમાં રહેતા હેમંત વિનોદભાઇ પાનવાલા ખેડૂત નહિ હોવા છતાં સરકારી ખાતરનો જથ્થો રાખી વેચાણ કરે છે.
નવા શુકલતીર્થ કરજણ ગામ જવાના રોડ ઉપર તબેલાવાળા શેડમાં ચલાવાતા ખાતર કૌભાંડ ઉપર SOG ની ટીમ ખેતી અધિકારીઓને લઈ ત્રાટકી હતી. શેડમાં આડસ વચ્ચે સરકારી સબસીડીવાળા ખાતરમાં ચોથા ભાગનું મીઠું ભરી નવા પેકેજમાં ભરી ઉધોગોને વેચવાનું ચાલતું કાંડ બહાર આવ્યું હતું. SOG એ સ્થળ પર FSLની તપાસ બાદ 224 ખાતરની બોરી ₹6.16 લાખનો જથ્થો, ખાતર તથા મીઠુ મિક્ષ કરેલ 29 બોરી, 82 મીઠું ભરેલી બોરીઓ, ટેમ્પો, પેકેજીંગ મટિરિયલ્સ, સાધનો મળી કુલ રૂપિયા 11.29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સરકારી સબસીડીવાળું ખાતર અંકલેશ્વરની ચિંતન એગ્રોમાંથી આરોપી હેમંત 1700માં બોરી ખરીદી તેમાં મીઠું ભેળવી પોટેશિયમ ક્લોરાઇડના પેકેજિંગમાં ₹2000 માં ભાવનગરના જયરાજ નામના શખ્સને વેચતો હતો. અત્યાર સુધી ખાતર કૌભાંડી હેમંત પાનવાલાએ 1500 થી 2000 ખાતરની બોરીઓ ખરીદી હોવાની કેફિયત વ્યક્ત કરી છે. ત્રણેય આરોપી સામે નબીપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.