ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 44 ડિગ્રી ગરમી વચ્ચે કોલ્ડ સ્ટોરેજ બંધ, બિનવારસી 5 મૃતદેહ ડિકમ્પોઝ થયા

Date:

Share

ગરીબ, લાવરીસ લોકોને જીવતે જીવ તો સન્માન મળતું નથી પણ તેમના મૃત્યુ બાદ તેમના મૃતદેહને સન્માનજનક સાચવવામાં પણ ભરૂચ સિવિલ હોસ્પિટલનું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તેવી માનવતા માટે વિચારતા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાત છે સિવિલ હોસ્પિટલના છેલ્લા કેટલાક દિવસથી બંધ કોલ્ડસ્ટોરેજની. જેના કારણે 3 દિવસથી રહેલા 5 મૃતદેહો ડિકમ્પોઝ થઈ ગયા છે.

 

વડોદરાની સંસ્થાને ભરૂચ જિલ્લાની સિવિલ હોસ્પિટલના સુશાસન અને વિકાસની કમાન સોપાઈ હતી. ખાનગી સંસ્થાને જિલ્લાની ગરીબો અને મધ્યમ વર્ગ માટે સંજીવની એવી હોસ્પિટલનું સુકાન આપી વધુ અદ્યતન તબીબી સેવાઓ અને સુવિધાઓ મળી રહેવાની સરકારે પણ વાત કરી હતી.

જોકે આ વાત આજે જાણે પોકળ સાબિત થઈ હોય તેમ 44 ડીગ્રી ગરમીમાં કેટલાક દિવસથી બંધ કોલ્ડસ્ટોરેજના સામે આવેલા દ્રશ્યોને જોઈ ફલિત થઈ રહ્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ ટેક્નિકલ ખામી સર્જાવાના કારણે ખોટકાયું છે.

જોકે બંધ કોલ્ડ સ્ટોરેજ સામે સિવિલ સત્તાધીશો કે સ્ટાફનું ધ્યાન જ ગયું ન હતું. જેને લઈ 5 મૃતદેહ ડીકમ્પોઝ થઇ ગયા હોવાનો એક એનજીઓએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ મામલે ઉહાપોહ મચતાં સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટમાં દોડધામ થઈ ગઈ છે. મૃતદેહ ઓળખી પણ ન શકાય તે હદે ડીકમ્પોઝ થયા છે.

ભરૂચમાં બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયાની કામગીરી સાથે સંકળાયેલા ધર્મેશ સોલંકીએ હોસ્પિટલ મેનેજમેંટ ઉપર લાપરવાહીના આક્ષેપ કર્યા છે. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ગોપિકા મેખીયાએ વહેલી તકે સમસ્યા હલ કરવા આદેશ કરાયા હોવાનું કહ્યું છે.

 

ભરૂચમાં બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયાની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સોમવારે બપોરના સુમારે તેઓ સિવિલ હોસ્પિટલમાં બિનવારસી મૃતદેહોને અંતિમક્રિયા માટે લઈ જવા કોલ્ડ સ્ટોરેજ પહોંચ્યા ત્યારે રેફ્રિજરેશન બંધ હતું. હાલની કાળઝાળ ગરમીમાં 44 ડિગ્રી તાપ વચ્ચે મૃતદેહોને જાળવવા ખુબ નીચા તાપમાનની જરૂર રહેતી હોય છે. 5 મૃતદેહ બંધ પેટીમાં રેફ્રિજરેશન વગર પડી રહેતા ડીકમ્પોઝ થઇ ગયા છે. આ અંગે જિલ્લાના લોકપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને તસવીરો સાથે વાકેફ કરી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

 

ઉચ્ચકક્ષા સુધી મામલો પહોંચતા હોસ્પિટલ સૂત્રો પાસે જવાબ મંગાવાની શરૂઆત થઇ હતી. તાત્કાલિક હોસ્પિટલે પોતાના ટેક્નિકલ સ્ટાફ અને વીજ કંપનીના કર્મચારીઓને કોલ્ડ સ્ટોરેજ તરફ રવાના કર્યા હતા. બે ટુકડીઓએ ભેગા મળી કોલ્ડ સ્ટોરેજના સમારકામ માટે કામગીરી શરૂ કરી હતી. જોકે કોલ્ડ સ્ટોરેજ ક્યારે કાર્યરત થશે તેનો ચોક્કસ સમય અપાયો નથી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!